25 Kriya
- Disciple
- Sep 18, 2020
- 4 min read
પચીસ ક્રિયા
( ઠાણાંગસૂત્ર શ.-2, ઉ.-1; શ.-5, ઉ.-2 )
કર્મબંધની કારણભૂત ચેષ્ટા તે ક્રિયા. જેનાથી કર્મ આવે તે ક્રિયા.
1. કાઈયા ક્રિયા - તેના બે ભેદ: (1) અણુવરયકાઈયા તે વ્રત પચ્ચકખાણ દ્વારા જેમણે આશ્રવનો નિરોધ કર્યો નથી તેને લાગે. (2) દુપઉત્તકાઇયા તે વ્રતપચ્ચકખાણ કર્યા બાદ પણ અયત્નાએ શરીર પ્રવર્તાવે તેને
લાગે.
2. અહિગરણિયા ક્રિયા - (1) સંજોજનાહિગરણિયા તે જે શસ્ત્રો (ચાકુ, છરી, તલવાર) અધૂરાં હોય તે પૂરાં કરવાં અથવા તૂટેલાં હોય તેને સરખાં કરીને આરંભનાં કાર્યમાં લેવાં. (2) નિવ્વત્તણાહિગરણિયા - તે નવાં શસ્ત્રો બનાવી એકઠાં કરે અને વેચે તેની ક્રિયા લાગે.
3. પાઉસિયા ક્રિયા - (1) જીવ પાઉસિયા તે મનુષ્ય, પશ આદિ કોઈ પણ જીવ પર ઇર્ષા, દ્વેષ - ક્રોધ આદિ રૂપ અશુભ પરિણામ કરવાં. (2) અજીવ પાઉસિયા તે વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ અજીવ વસ્તુ પર દ્વેષ કરવો.
4. પારિતાવણિયા ક્રિયા - (૧) સહથ્થ પારિતાવણિયા તે પોતાને હાથે પોતાને તથા પરને મારપીટ કરે, કઠોર વચન કહીને દુઃખી કરે, કષ્ટ આપે. (2) પરહથ્થ પારિતાવણિયા તે પરના હાથે પોતાને તથા પરને મારપીટ કરી કષ્ટ આપતાં લાગે તે.
5. પાણાઇવાઇયા ક્રિયા - (1) સહથ્થ પાણાઇવાઇયા તે પોતાના હાથે પોતાના (આપઘાત) તથા પરના પ્રાણ હરણ કરે (શિકાર ખેલે). (2) પરહથ્થ પાણાઇવાઇયા તે પરના હાથે પોતાના તથા પરના પ્રાણ હરણ કરે.
6. આરંભિયા ક્રિયા - (1) જીવ આરંભિયા તે જીવના નિમિત્તે છકાયનાં જીવનો આરંભ, હિંસા કરે. (2) અજીવ આરંભિયા તે કપડાં, મૃત શરીરાદિ અજીવને નષ્ટ કરવા નિમિત્તે આરંભ કરે.
7. પરિગ્ગહિયા ક્રિયા - (1) જીવ પરિગ્ગહિયા તે કુટુંબ, નોકર, ગાય, ભેંસાઆદિ ત્રસ અને અનાજ, ફળાઆદિ સ્થાવર જીવોના પરિગ્રહ મમત્વભાવથી રાખે તેની ક્રિયા લાગે. (2) અજીવ પરિગ્ગહિયા તે વસ્ત્ર, આભૂષણ, મકાન આદિ અજીવનો પરિગ્રહ મમત્વથી રાખે તેની ક્રિયા લાગે છે.
8. માયાવત્તિયા ક્રિયા - (1) આયભાવ વંકણયા તે પોતે માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે અને પોતાના આત્માને જ છેતરે તેની ક્રિયા લાગે. (૨) પરભાવ વંકણયા - વિશ્વાસઘાત કરવો, ખોટા તોલમાપ. વક્રયોગથી બીજાના હાનિ પહોંચાડે.
9. અપચ્ચક્ખાણ વત્તિયા ક્રિયા - (1) જીવ પચ્ચકખાણ ક્રિયા તે જીવ જેમ કે મનુષ્ય, પશુ આદિની માલિકીની મર્યાદા ન કરે કે સર્વથા પચ્ચકખાણ ન કરે. (2) અજીવ અપચ્ચક્ખાણ ક્રિયા તે સોનું, ચાંદી, મદિરા આદિ અજીવના પચ્ચકખાણ ન કરે તેની ક્રિયા લાગે તે.
10. મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા - (1) ઉણાઇરિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી ઓછી, અધિક શ્રદ્ધા તથા પ્રરૂપણા કરે. જેમ કે જીવ અંગુઠા માત્ર છે કે એક જીવ સર્વ લોક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે. (૨) તવાઇરિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી વિપરીત પ્રરૂપણા કરે. જેમ કે આત્મા છે જ નહિ અથવા જીવને અજીવ, અજીવને જીવ માને.
11. દિઠ્ઠિયા ક્રિયા - (1) જીવ દિઠ્ઠિયા તે હાથી, ઘોડા, સરકસ, બગીચા વગેરે જોવા જવાથી લાગે. (2) અજીવ દિઠ્ઠિયા તે મહેલ, ચિત્રામણ આદિને (કુતુહલપૂર્વક) જોવા જવાથી તેની ક્રિયા લાગે તે.
12. પુઠ્ઠિયા ક્રિયા - (1) જીવ પુઠ્ઠિયા તે સ્ત્રી, પુરુષ, પશુ આદિ જીવોનાં અંગોપાંગના સ્પર્શથી ઉદ્દભવતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે. (2) અજીવ પુઠ્ઠિયા તે વસ્ત્ર, આભૂષણ આદિ અજીવના સ્પર્શથી થતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે.
13. પાડુચ્ચિયા ક્રિયા - (1) જીવ પાડુચ્ચિયા તે કુટુંબીજનો, શિષ્ય, ગુરુ આદિ જીવના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગદ્વેષ કરવાથી લાગે તે. (૨) અજીવ પાડુચ્ચિયા તે મકાન, વસ્ત્ર આદિ અજીવ ચીજોના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગદ્વેષ કરવાથી લાગે તે.
14. સામંતોવણિવાઇયા ક્રિયા - (1) જીવ સામંતોવણિવાઇયા તે નોકર,ઘોડા, હાથી વગેરે જીવનો સંગ્રહ કરે, તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. ()અજીવ સામંતોવણિવાઇયા તે મહેલ, વસ્ત્ર, આભૂષણ આદિ અજીવનો સંગ્રહ કરે, તેની પ્રશંસા સાંભળી આનંદ પામે.
15. સાહત્થિયા ક્રિયા - (1) જીવ સાહત્થિયા તે કૂકડા, સર્પ, હાથી વગેરે જીવોને પોતાના હાથે હણે અથવા પરસ્પર લડાવે તથા મનુષ્યોને કુસ્તી કરાવે, તેની ક્રિયા લાગે તે. (૨) અજીવ સાહત્થિયા તે અજીવ વસ્તુને સામસામે અફાળીને તોડે (તલવારથી લાકડી તોડે વગેરે) તથા અજીવ શસ્ત્ર આદિથી જીવને મારે તેની ક્રિયા લાગે તે.
16. નેસત્થિયા ક્રિયા - (1) જીવ નેસત્થિયા તે જૂ, લીખ, માંકડ જેવા નાના અથવા મોટા જીવોને ફેંકે તેમ જ ફુવારામાંથી પાણી છોડવાથી, વાવ, કુવા ખોદાવવાથી તેની ક્રિયા લાગે તે. (2) અજીવ નેસત્થિયા તે તલવાર, બાણ, લાકડી, પુસ્તક, પેન આદિ સજીવ વસ્તુ અયત્નાથી ફેંકે તેની ક્રિયા લાગે તે.
17. આણવણિયા (આજ્ઞાપનિકા) ક્રિયા – (1) જીવ આણવણિયા તે સજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. (2) આજીવ આણવણિયા તે અજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે.
18. વેદારણિયા ક્રિયા - (1) જીવ વેદારણિયા તે શાક , અનાજ, પશુ આદિ સજીવના ટુકડા કરવાથી લાગે તે. (2) અજીવ વેદારણિયા તે મકાન, લાકડાં, વસ્ત્ર કાગળ આદિ તોડે અથવા કષાયવશ કટકા કરે તેની ક્રિયા લાગે. જીવ અજીવના વ્યવહારમાં બે વ્યક્તિને સમજાવી સોદા કરવાથી અથવા કોઈને ઠગવા માટે કોઈ વસ્તુની પ્રશંસા કરવાથી પણ આ ક્રિયા લાગે છે.
19. અણાભોગવત્તિયા ક્રિયા - (1) અણાઉત આયણતા તે વસ્ત્ર, પાત્ર, આદિનો ઉપયોગરહિત, અસાવધાનપણે, અયત્નાએ ગ્રહણ કરવાની અને પ્રતિલેખન ન કરવાથી. રાખી મૂકવાથી ક્રિયા લાગે. (2) અણાઉત પમજ્જણતા તે ઉપયોગ વિના વસ્ત્ર, પાત્રાદિને પૂંજે, અસાવધાનીથી પ્રતિલેખન કરવાથી લાગે.
20. અણવકંખવત્તિયા ક્રિયા - (૧) આય શરીર અણવકંખવત્તિયા તે પોતાનાં હિતની ઉપેક્ષા કરી શરીર આદિને હાનિ પહોંચાડવાથી લાગે. (2) પર શરીર અણવકંખવત્તિયા તે બીજાને હાનિ પહોચાડવાથી લાગે. આલોક-પરલોકની પરવા ન કરી બંને લોક બગડે તેવાં કાર્ય કરવાથી પણ આ ક્રિયા લાગે છે.
21. પેજ્જવત્તિયા ક્રિયા - (1) માયાવત્તિયા તે રાગવશ માયા-કપટ કરવાથી લાગે. (૨) લોભવત્તિયા તે રાગવશ લોભ કરવાથી લાગે તે.
22. દોસવત્તિયા ક્રિયા - (1) ક્કોહે તે દ્વેષવશ ક્રોધ કરવાથી લાગે. (2) માણે તે દ્વેષવશ માન કરવાથી લાગે તે.
23. પ્પઉગ ક્રિયા - (1) મણપ્પઉગ ક્રિયા તે મનના યોગ અશુભ કરવાથી. (૨) વયપ્પઉગ ક્રિયા તે વચનના યોગ અશુભ કરવાથી. (૩) કાયપ્પઉગ કિયા તે કાયાના યોગ અશુભ કરવાથી.
24. સામુદાણિયા ક્રિયા - એક કામ ઘણા જણ ભેગા મળીને કરે. જેમ કે વેપાર, જાત્રા, મહોત્સવ, નાટક, સિનેમા જોવું વગેરે પ્રસંગોમાં આ ક્રિયા લાગે.
(1) અનંતર સામુદાણિયા = સામુદાનિક ક્રિયાનો પ્રથમ સમય. (2) પરંપર સામુદાણિયા = સામુદાનિક ક્રિયાનો અપ્રથમ સમય. (3) તદુભય સામુદાણિયા = સામુદાનિક ક્રિયાનો સર્વ સમય.
25. ઇરિયાવહિયા ક્રિયા - કષાયરહિત જીવોને (વીતરાગીને) માત્ર યોગના પ્રવર્તનથી લાગતી ક્રિયા. તેના ત્રણ ભેદ - (1) ઉપશાંત મોહ વીતરાગ= 11મા ગુણ.ના જીવોને લાગે તે, (2) ક્ષીણ મોહ વીતરાગ = 12મા ગુણસ્થાનના જીવોને લાગે તે. (3) સયોગી કેવલી = 13મા ગુણસ્થાનના જીવોને લાગે તે.
|| ઈતિ પચીસ ક્રિયા સંપૂર્ણ ||
Comments